ગુજરાતી
Phonetic Keyboard  Gujarati Keyboard
અશ્વમેધ  

ક્રમાંક વ્યુત્પત્તિ વ્યાકરણ અર્થ
पुं. એ નામનો એક રાજર્ષિ.
पुं. ( સંગીત ) એક જાતનું તાન, જેમાં ષડ્જ સ્વર છોડીને બાકીના છ સ્વર આવે છે.
[ સં. અશ્વ ( ઘોડો ) + મેધ ( યજ્ઞ ) ] पुं. ઘોડાને કે ઘોડાની પ્રતિમાને હોમવામાં આવે એવો એક જાતનો યજ્ઞ. વૈદિક વખતમાં આ યજ્ઞ પ્રજા ઉત્પન્ન કરવા માટે કરવામાં આવતો, પણ પાછળથી તે માત્ર ચક્રવર્તી રાજાઓ જ કરતા. તેમાં ઘોડાના હોમની સાથે બીજાં પણ ઘણાં પશુનો વધ કરવામાં આવતો. પહેલાં તો અમુક ક્રિયા વખતે ઘોડા અને બીજાં પ્રાણીઓને ફક્ત બાંધવામાં આવતાં. ખરેખરી રીતે હોમવાની વિધિ પાછળથી દાખલ થયાંનું જણાય છે. આ યજ્ઞની વિધિ નીચે પ્રમાણે આપવામાં આવી છે. ધોળું શરીર, કાળા કાન અને ચંદ્રના જેવા તેજસ્વી મોંવાળા ઘોડાને લીલા જવનો ચારો કરાવવો અને ગંગાજળ પાવું. સ્વચ્છ ઘર બાંધી તેમાં ઘોડાને રાખવો અને દરરોજ એની તહેનાતમાં ચાર નોકરો બારણે ઊભા જ રાખવા. જ્યાં એ લાદ મૂત્ર કરે ત્યાં હમેશાં હોમ કરી છ હજાર ગાયનું દાન કરવું. ચૈત્ર સુદ પૂનમને દિવસે તે ઘોડાને શણગારી એના કપાળ ઉપર સોનાનું પતરૂં બાંધી છૂટો મૂકવો. પતરામાં લખવું કે અમુક ચક્રવર્તી રાજા યજ્ઞ કરે છે માટે જે કોઈ આ ઘોડાને બાંધે તેણે યુદ્ધ આપવું અથવા નમી જવું, અને નમે તેણે યજ્ઞમાં પધારવું. ઘોડાના બચાવ માટે એક મહારથીને મોટા લશ્કર સહિત સાથે રાખવો. ઘોડો પોતાની ઇચ્છા મુજબ જ્યાંજ્યાં જાય ત્યાં તેની પાછળ પાછળ લશ્કરે જવું. રસ્તામાં એ જ્યાં જ્યાં ખરી ઠોકે ત્યાંત્યાં કૂવા, અને આળોટે ત્યાંત્યાં વાવ બંધાવતા જવું. આ પ્રમાણે ફરતાં પૃથ્વીના બધા રાજા જિતાય તો જ આ યજ્ઞ કરાય. અશ્વમેધ માટે કોઈ મોટા ક્ષેત્રમાંથી માટી મંગાવી. તેની ઈંટ કરીને તેનો દક્ષિણ દિશાએ કુંડ બનાવવો, ને તેની આજુબાજુ ચોરી બાંધવી. તેમાં ખાખરા, ખેર અને સમડીનાં લાકડાના એકેક દંડ એવા ત્રણ ત્રણ દંડવાળા ચાર થાંભલા કરવા. પછી ચોસઠ વરવહૂની છેડાછેડી બાંધી, તેમની પાસે ગંગાજળ મંગાવી તે પાણીથી ઘોડાને મંત્ર સાથે નવરાવવો. એનો ડાબો કાન દબાવવાથી દૂધની ધાર નીકળે તો જાણવું કે એ શુદ્ધ થયો. પછી એને કુંડ સામે લઈ જઈ એનું માથું તરવારથી કાપી વેદવિધિએ એનાં અંગોની આહુતિ આપવી. આ યજ્ઞ એક વરસ સુધી ચાલે છે. તે કરનારે અસિધારા નામનું વ્રત કરવું જોઈએ, જેમાં આઠ જાતના ભોગ તજવા પડે છે. રાત્રે ધણીધણિયાણી સંયમ પાળવા દર્ભની પથારી ઉપર વચ્ચે ઉઘાડી તરવાર મૂકીને સૂવે. આ પ્રમાણે એક વર્ષ અગાઉથી કર્યા બાદ યજ્ઞની શરૂઆત થાય છે. યજ્ઞમાં વીસ હજાર બ્રાહ્મણોની વરુણી એટલે તેમની નિયમ પ્રમાણે પૂજા કરી તેમને ખાનપાન પૂરાં પાડવાં. દક્ષિણામાં અક્કેક બ્રાહ્મણને એક હજાર ગાય, શણગારેલ એક હાથી અને એક ઘોડો, સવા મણ સોનું અને એક પાયલી રત્ન આપવાં. યજમાને યજ્ઞ કરતી વખત મૃગચર્મ પહેરવું જોઈએ. સો અશ્વમેધ કરનારને ઇંદ્રાસન મળે છે, અને કોઈ પણ રાજા સોમો યજ્ઞ પૂરો ન કરી શકે માટે ઇંદ્ર તેમાં ઘણી અડચણ ઊભી કરે છે એવી માન્યતા છે.
पुं. દેશ; રાષ્ટ્ર.