ગુજરાતી
Phonetic Keyboard  Gujarati Keyboard
આકડો  
ઉચ્ચાર: ( આકડ઼ો )

ક્રમાંક વ્યુત્પત્તિ વ્યાકરણ અર્થ
[ સં. અર્ક; પ્રા. અક્ક + ડો (લઘુતાદર્શક પ્રત્યય ) ] पुं. મોટાં, પહોળાં અને જાડાં પાનવાળો એક છોડ. રાતાં ફૂલવાળો અને ધોળા ફૂલવાળો એમ તેની બે જાત છે. તેમાં ધોળાં ફૂલવાળાને આકડો ને રાતાં ફૂલવાળાને મંદાર કહે છે. કેટલાક રાતા આકડાને અર્ક, અર્કપર્ણ, વિકરણ, રક્તપુષ્પ, શકલફળ અને સ્ફોટ, તથા ધોળાને અલર્ક, ગુણરૂપ, મંદાર, વસુક શ્વેતપુષ્પ, સદાપુષ્પ સબાલાર્ક અને પ્રતિયસ કહે છે. મરાઠી બૃહન્નિઘંટુમાં ધોળો અને રાતો એમ બે જાતના આકડા તથા રાતો મંદાર અને ધોળો મંદાર એમ બે જાતના મંદાર સ્વીકારેલા છે. એનાં પાન, ડાળી અને ફૂલ તોડતાં દૂધ નીકળે. લંબગોળ કેરીના આકારનાં થતાં ફળ ફાડતાં તેમાંથી બીની સાથે લાગેલ રૂને તૂર કહે છે. તેના ઘણા મજબૂત અને રેશમ જેવા નરમ રેષાનાં રાજા મહારાજાઓ માટે કપડાં બનાવવામાં આવતાં, આ રેષામાંથી તથા તૂરમાંથી ઊંચી જાતના કાગળ બને છે. આકડાનાં પાન ખરજ અને ગૂમડાં પર વપરાય છે, તેમ જ પેટના રોગમાં એરંડિયું લગાડી ગરમ કરી બંધાણ બંધાય છે. કાનમા ચસકા આવતા હોય ત્યારે પાનના રસનાં ટીપાં નખાય. ફૂલ ગણપતિ, હનુમાન અને મહાદેવને ચડાવાય. મૂળ છાયામાં સૂકવી વાટી ગોળમાં મેળવી લેવામાં આવે તો ટાઢિયો તાવ જાય તથા લોહીવિકાર મટે, અને પિત્તની શુદ્ધિ તા વૃદ્ધિ થાય. આકડાની અસર શ્વાસળી ઉપર સારી હોવાથી તે આકરા તમના જોશને બેસાડે. આયુર્વેદમાં જણાવેલ નવ ઉપવિષ માંહેનું આ એક છે. કૂતરાના ઝેર ઉપર આકડાનું દૂધ, ગોળ અને તેલનો લેપ કરવો. સાપના ઝેર ઉપર પાંદડા આંકડાના દૂધમાં વાટી ગોળી કરીને આપવી અથવા મૂળ ઘસીને પાવું. વીંછીના ઝેર ઉપર આકડાનું મૂળ ઘસીને ચોપડવું. સફેદ કોઢમાં આકડાનો દૂધ જેવો રસ ગુણકારી છે. આકડાના દૂધથી જુલાબ પણ થાય છે અને કોઢ તથા હડકવાનું ઝેર શોધક, પરસેવો લાવનાર, કફ અને વા મટાડનાર મનાય છે. તે ખાવાથી ઝેર ચડ્યું હોય તો આમલીનાં પાન વાટી લેપ કરવો. તેની છાલનું ચૂર્ણ એક વાલ અને વમન તરીકે બેઆનીથી પાવલાભાર લેવાય છે. પાંદડાં પોચાં હોવાથી કેટલાંક વર્ષો પહેલાં અક્ષરો કોતરવાના કામમાં લેવાતાં.