ગુજરાતી
Phonetic Keyboard  Gujarati Keyboard
સોયાબીન  

ક્રમાંક વ્યુત્પત્તિ વ્યાકરણ અર્થ
न. ચોળા વટાણાની જાતનું એક જાતનું કઠોળને મળતું પૌષ્ટિક ધાન્ય; એ નામની ફળી કે દાણો. કીમતી ખોરાક માટે આ છોડ ઉગાડવામાં આવે છે; હાલ તેનો પાક વધવા લાગ્યો છે. આ છોડની રૂંછાંવાળી સીધી ડાળીઓ ઉપર પાંદડાં થાય છે. આ પાદડાં ત્રણ નાનાં પાંદડાંમાં વહેંચાયેલાં છે. ફૂલ જાંબૂડિયા રંગનાં નાનાં થાય છે. તેની શીંગ ખરબચડી હોય છે. તેમાં નાઈટ્રોજન ઉપરાંત બીજી પોષણ શક્તિ હોય છે. દાણો ચપટો અને ગોળ હોય છે. મનુષ્યના ખોરાક તરીકે તે ઘણો સારો છે. પશુને પણ ફાયદાકારક છે. તે ચીન, જાપાન, મોંગોલિયા, સિલોન અને ઈન્ડોચાઈનામાં પુષ્કળ પ્રમાણમાં ઊગે છે. ઘણા અસલ સમયથી આ દેશોમાં તેનું વાવેતર થતું આવ્યું છે અને તેની ખોરાક તરીકેની કીમત સૌ કોઈને જાણીતી હતી. યરપ અને અમેરિકમાં છેલ્લાં સાઠેક વર્ષથી સોયાબીન ઉપર અખતરા થયા છે. તેમાંથી ગાયના દૂધ જેટલી જ પોષણશક્તિવાળું દૂધ, તેલ, સેલ્યુલોઈડ, રબ્બર, સાબુ વગેરે બનાવી શકાય છે. તેનાં પાંદડાં તથા દાણા ઢોરનો શ્રેષ્ઠ ખોરાક છે. હુન્નર ઉદ્યોગમાં તેની ઉપયોગિતાને લીધે ફ્રાંસ અને અમેરિકમાં તેનું વાવેતર કરવામાં આવે છે. કેટલાંએક વર્ષ પહેલાં પંજાબની ખેતીવાડીમાં એક અગ્રગણ્ય પુરુષે સોયાબીન હિંદમાં વાવવા માટે અખતરો કર્યો હતો. પછી વડોદરા રાજ્યે આ અખતરો કર્યો છે. જો આ અખતરો ફતેહમંદ નીવડે તો ખેતીવાડી તથા હુન્નર ઉદ્યોગ બંનેને ઉપયોગી નીવડે. તેમાંથી વનસ્પતિના દૂધ ઉપરાંત કેસીન, એમિડૉન, ડાયાસ્ટેઈસ, ગ્લુકોઝ, માર્ગેરિન વગેરે જુદી જુદી ઉપયોગી બનાવટ તૈયાર કરવામાં આવે છે. સોયાબીનના વાવેતરમાં ઈ. સ. ૧૮૭૩માં વિયેનામાં ભરાયેલ વર્લ્ડ એકિઝબિશન પછી લોકો વિશેષ રસ લેતાં શીખ્યાં. તે સમયે ચીન, જાપાન અને મોંગોલિયામાંથી જુદી જુદી ૨૦ જાતનાં સોયાબીન આ પ્રદર્શનમાં ખુલ્લાં મુકાયાં હતાં. ત્યારબાદ જર્મની અને ફ્રાંસમાં આ વનસ્પતિ ખોરાકની વિશેષ જાહેરાત થઈ. ત્યારપછી ઈ. સ. ૧૮૭૬ માં ઓસ્ટ્રિયામાં ૧૪૮ ખેડુએ સોયાબીનનું વાવેતર કર્યું. તેઓને માલૂમ પડ્યું કે, એક્લાં સોયાબીન વાવવાથી પાક બહુ ઘટ લાગે છે. તેથી તેને જે વનસ્પતિ ઓછી ઘટ હોય તેની સાથે વાવવાથી વિશેષ લાભદાયી થઈ પડશે. સોયાબીનનું પૃથ્થકરણ કરતાં તેમાં પ્રોટીન એટલે પિત્તજન્ય, ફેટ એટલે ક્ફફજન્ય, કારબોહાઈટ એટલે વાતજન્ય, કેલોરી અને બધાં પ્રજીવક તત્ત્વો તથા લોહ એ તત્ત્વો માલૂમ પડ્યા છે. સોયાબીનનું તેલ દેશી સંચાકામમાં ઊંઘવાના તેલ તરીકે વપરાય છે. તેલ કાઢયા પછી વધેલો ખોળ ઢોરના ખોરાક અથવા ખાતર તરીકે ઉપયોગી છે. દીવાબત્તીમાં ગ્યાસતેલની જગ્યાએ આ તેલ વાપરી શકાય છે. તે વોટરપ્રૂફ કપડું બનાવવામાં, કાગળની છત્રી, ફાનસ બનાવવામાં, વાર્નિશ અને છાપવાની શાહી બનાવવામાં ઉપયોગી છે. સોયાબીનમાં ૪૦ ટકા પેશીદ છે. એટલે કે, સોયાબીનમાં રહેલ પેશીદ બીજા કઠોળ અને માંસ કરતાં બમણું, ઘઉં કરતાં ત્રણ ગણું અને ચોખા કરતાં પાંચ ગણું છે. સોયાબીનમાં રહેલ પેશીદ ગાયના દૂધમાં રહેલ પેશીદને મળતું છે. મેજર જનરલ સર રોબર્ટ મેકેરિસન કહે છે કે માતાના દૂધના અભાવે બાળક માટે પૌષ્ટિક મનાય છે. તેમાં સ્ટાર્ચનું પ્રમાણ ઓછું હોવાથી મધુપ્રમેહવાળા રોગી લોકોને ખોરાક તરીકે એ ઉપયોગી છે. સોયાબીનના લોટને દશેક મિનિટ પાણીમાં હલાવતાં હલાવતાં ઉકાળી નીચે ઉતારી લૂગડે ગાળી લેવાથી દૂધ બને છે. સોયાબીનમાંથી નીકળતું દૂધ સામાન્ય દૂધ જેવું હોઈ તેમાંથી ચા, કોફી, છાશ, માખણ, પનીર, આઈસક્રીમ વગેરે બને છે. મા વગરનાં નાનાં બાળકને આ દૂધ સારું પોષણ આપે છે. બીજાં કઠોળની માફક તેની રોટલી, પૂરી, ભજિયાં, પાપડ, સેવ, ગાંઠિયા વગેરે વાનીઓ ઉપરાંત ડબલરોટી, બિસ્કિટ, સોયાપાક વગેરે પણ બને છે. માંસ, ઇંડાં, કોડલીવર ઓઈલ વગેરેને બદલે એ લઈ શકાય છે. હાલ સોયાબીનનું વાવેતર ગુજરાતમાં ફતેહમંદ રીતે ચોતરફ કરવામાં આવે છે. વડોદરા રાજયે તેનું વાવેતર વિસ્તારવામાં આગળ પડતો ભાગ લીધો છે. સિંધમાં સરકારી ખેતરોમાં સોયાબીનનું વાવેતર કરવામાં આવે છે. હવામાં રહેલા નાઈટ્રોજનનું સીધી રીતે પોષણ મેળવે છે. આ છોડની ૧૫૦૦ જાત થાય છે, કે જે પીળાં, કાળાં, બદામી, ચટાપટાવાળાં તલકાંવાળાં વગેરે જાતનાં સોયાબીન આવે છે. પીળાં સોયાબીન ખોરાકની દૃષ્ટિએ પેશીદ અને ચરબીથી ભરપૂર છે. મંચુરિયામાં તે સર્વત્ર ઉગે છે. અમેરિકામાં કપાસ ઉત્પન્ન કરનાર સ્થળોમાં તે ઉગાડી શકાય છે. સોયાબીનને બે દિવસ તડકામાં સૂકવી કઠોળ તરીકે તેનો ઉપયોગ કરવામાં આવે છે. આ કઠોળ બાજરા અથવા ઘઉંની સાથે મિશ્રણમાં વપરાય છે. બીજા દાણાના છ થી આઠ ભાગ અને સોયાબીનનો એક ભાગ એ પ્રમાણે મિશ્ર લોટ કરી તે ખોરાકમાં વપરાય છે. સોયાબીન તદ્દન એકલા ખોરાક તરીકે વપરાતાં નથી. પરંતુ અન્ય ખોરાક સાથે મેળવવાથી તે પેશીદ, ચરબી તથા બીજા ક્ષારોનું પોષણ પુરું પાડે છે. શાકાહારી લોકોને તે બહુ જરુરનું છે. યરપના લોકો તેનો લોટ બનાવી પાંઉ, કેક, બિસ્કિટ વગેરે પદાર્થો બનાવે છે. તેમાં કંઈક કડવો સ્વાદ હોવાથી તેની વાનીઓ એકલી ખાવા કરતાં ચણા, ઘઉં, મકાઈ, જુવાર, કે ચોખાના લોટમાં ચોથા ભાગમાં નાખી ખાઈ શકાય છે. ચીનમાં તેને ભીંજવેલી દાળની ખીચડી રાંધી ખવાય છે. આખા બીજને ભીંજવી ફણગા ફૂટે ત્યારે કાઢી ધોઈ સાફ કરી ફણગા સહિત થોડાં થોડાં જરા નમક સાથે ખાવાથી શરીર ખૂબ પુષ્ટ બને છે. તેને વાટી રસ કાઢી બચ્ચાંને પાવાથી દૂધ જેટલું પૌષ્ટિક કામ કરે છે. તેમાં સ્ટાર્ચ ઓછો હોવાથી મધુપ્રમેહને માટે તે સર્વોત્તમ ખોરાક છે. ખનીજ ક્ષારો વધુ હોવાથી મગજના જ્ઞાનતંતુના રોગમાં ફાયદાકારક છે. ફણગા ફૂટેલ બીજનું શાક બનાવાય છે. બીજા ખોરાકોના પ્રમાણમાં સોયાબીનમાં પેશીદ વગેરે કેટલા ટકા છે તે નીચેના કોઠા ઉપરથી જણાઈ આવશે.