ગુજરાતી
Phonetic Keyboard  Gujarati Keyboard
પરમાર  

ક્રમાંક વ્યુત્પત્તિ વ્યાકરણ અર્થ
स्त्री. એ નામની ગરોડા, લીમચિયા વાળંદ, મોચી, તૂરી, લુહાર, કંસારા, દરજી, રજપૂત, ભાવસાર, ચૂંવાળિયા, ઘાંચી, હરિજન, સોની, સુતાર, ધોબી, ખવાસ, રબારી, આહીર, સંધી, પીંજારા, વાંઝા, ધૂળધોયા, રાવળ, વાઘરી, ભીલ, આંજણા ક્ષત્રિય અને ઢેઢની એ નામની અટક.
स्त्री. ધારાગઢમાં સ્થપાયેલી જૈન રજપૂતોની એ નામની એક જાતિ.
न. એ નામની અટકનું માણસ.
न. એ નામની જાતિનું માણસ.
[ પર ( શત્રુ ) + માર ( મારનાર ) ] न. રાજપૂતોનાં છત્રીશ માંહેનુ એ નામનું એક કુળ. તે અગ્નિકુળની અંદર છે. પરમારોની ઉત્પત્તિ શિલાલેખોમાંથી આ પ્રમાણે મળે છે: મહર્ષિ વસિષ્ઠ આબુ પર્વત ઉપર રહેતા હતા. ત્યાંથી વિશ્વામિત્ર તેની ગાય છીનવી લઈ ગયા. વસિષ્ઠે યજ્ઞ કર્યો અને અગ્નિકુંડમાંથી એક વીર પુરુષ ઉત્પન્ન થયો, જેણે વાતવાતમાં વિશ્વામિત્રની આખી સેનાનો નાશ કરી ગાય લાવીને વસિષ્ટના આશ્રમમાં બાંધી દીધી. વસિષ્ઠ પ્રસન્ન થઈ કહ્યું કે તું પરમાર એટલે શત્રુઓને મારનાર થજે અને તારૂં રાજ્ય ચાલજો. આથી આ વંશના લોકો પરમાર કહેવાયા. ટોડ સાહેબે પરમારોની અનેક શાખા ગણાવી છે: જેવી કે, મોરી, કે જે ગરલોતોની પહેલાં ચિતોડના રાજા હતા, સોઢા, સંકલ, ખૈર, ઉમરા સુમરા, જે હાલ મુસલમાન છે, વિહિલ, મહપાવત, બલહાર, કાવા, ઓમતા વગેરે. આ સિવાય ચાવંડ, ખેજર, સગરા, વરકોટા, સંપાલ, ભીવા, કોહિલા, ધંદ, દેવા, બરહર, નિકુંભ, ટીકા વગેરે બીજાં કુળ પણ છે, જેમાંથી કેટલાક સિંધની પેલી મેર રહે છે અને પઠાણ મુસલમાન થઈ ગયેલ છે. પરમારોનું રાજ્ય માળવામાં હતું. માળવાના પરમાર રાજાઓની વંશાવળી નીચે પ્રમાણે નીકળે છે:

ઈસ્વી સનના આઠમા સૈકામાં કૃષ્ણ ઉપેંદ્રને માળવાનું રાજ્ય મળ્યું. બીજા સીયક અથવા શ્રીહર્ષદેવના સંબંધમાં પદ્મગુપ્તે લખ્યું છે કે, તેણે એક હૂણ રાજાને હરાવ્યો. ઉદયપુરની પ્રશસ્તિથી જણાય છે કે, તેણે રાષ્ટ્રકૂટ વંશના માન્યખેટ અથવા માનખેડાના રાજા ખેટ્ટિગદેવનું રાજ્ય લઈ લીધું. પાઇઅલચ્છી નામમાલા નામનો ધનપાલનો લખેલ પ્રાકૃત કોશ છે, તેમાં લખ્યું છે કે, વિક્રમ સંવત ૧૦૨૬માં માળવાના રાજાએ માન્યખેટ ઉપર ચડાઈ કરી અને તેને લૂટ્યું. તે વખતમાં આ ગ્રંથ લખ્યો છે. શ્રીહર્ષદેવ અથવા બીજા સીયકના પુત્ર બીજા વાક્પતિરાજનું પહેલું તામ્રપત્ર વિક્રમ સંવત ૧૦૩૧નું મળે છે. તામ્રપત્રો, શિલાલેખો અને નવસાહસાંકચરિતમાં વાક્પતિરાજના ઘણાં નામ મળે છે. જેમકે, મુંજ, ઉત્પલરાજ, અમોઘવર્ષ, પૃથિવીવલ્લભ, શ્રીવલ્લભ, તે મહા વિદ્વાન અને કવિ હતો. મુંજ વાક્પતિરાજના અનેક શ્લોકો પ્રબંધચિતામણિ, ભોજપ્રબંધ તથા અલંકારગ્રંથોમાં મળે છે. તેની સભામાં કવિ ધનંજય, પિગલ ટીકાકાર હલાયુધ, કોશકાર ધનપાલ અને પદ્મગુપ્ત વગેરે અનેક પંડિત હતા. તેણે દક્ષિણના કર્ણાટક, લાટ, કેરલ, ચોલ વગેરે અનેક દેશ જીત્યા હતા. પ્રબંધચિતામણિમાં લખ્યું છે કે, વાકપતિરાજે ચાલુક્યરાજ બીજા તૈલવને સોળ વાર હરાવ્યો હતો, પણ અંતમાં એક ચડાઈમાં તેને ત્યાં તે કેદ પકડાયો અને ત્યાં તેનું મરણ થયું. ચાલુક્ય રાજાઓના શિલાલેખોમાં પણ આ બાબતનો ઉલ્લેખ મળે છે. મુંજ પછી તેનો નાનો ભાઇ સિંધુરાજ અથવા સિંધુલ ગાદી ઉપર આવ્યો. તેનું એક નામ નવસાહસાંક પણ હતું. નવસાહસાંકચરિતમાં પદ્મગુપ્તે તેનું વૃત્તાંત લખ્યું છે. સિંધુરાજનો પુત્ર મહાપ્રતાપી, વિદ્વાન અને દાની ભોજ થયો, જેનું નામ ભારતમાં ઘેર ઘેર પ્રસિદ્ધ છે. ઉદયપુર પ્રશસ્તિમાં લખ્યું છે કે: ભોજ ગુર્જર, લાટ, કર્ણાટ, તુરુષ્ક વગેરે અનેક દેશો પર ચડાઈ કરી. ભોજ કલ્યાણના ચાલુક્ય રાજા ત્રીજા જયસિંહ ઉપર પણ ચડાઈ કરી હતી. પરંતુ જણાય છે કે તેમાં તેને સફળતા ન મળી. વિલ્હણના વિક્રમાંકદેવચરિતમાં લખ્યું છે કે: જયસિંહના ઉત્તરાધિકારી ચાલુક્યરાજ સોમેશ્વર બીજાએ ભોજની રાજધાની ધારાનગરી ઉપર ચડાઈ કરી અને ભોજને ભાગવું પડ્યું. પ્રબંધચિંતામણિ તથા નાગપુરની પ્રશસ્તિમાં પણ લખ્યું છે કે: ચેદિરાજ કર્ણ અને ગુર્જરરાજ ચાલુક્ય ભીમે મળીને ભોજ ઉપર ચડાઈ કરી, જેથી ભોજનું પતન થયું. ભોજનું મૃત્યુ ક્યારે થયું તે બરાબર જણાયું નથી. પણ એટલું અવશ્ય જણાય છે. કે, શક ૯૬૪ એટલે સને ૧૦૪૨-૪૩ સુધી તે જીવતો હતો. રાજતરંગિણીમાં લખ્યું છે કે: કશ્મીરનો રાજા કલસ અને માલવાધિપ ભોજ બંને કવિ હતા અને એક સમયે વિદ્યમાન હતા. આથી જણાય છે કે, સને ૧૦૬૨ પછી કેટલેક વખતે તેનું મરણ થયું હશે. ભોજ પછી ઉદયાદિત્યનું નામ મળે છે. તેણે ધારાનગરી શત્રુઓના હાથમાંથી મેળવી અને ધરણીવગરના મંદિરની મરામત કરાવી. ભોપાલમાંથી મળેલ ઉદયવર્મના તામ્રપત્ર તથા પિપલિયાના તામ્રપત્રમાંથી બીજાં નામ પણ મેળ છે. ભોજવંશી મહારાજ યશોવર્મદેવ, તેનો પુત્ર જયધર્મદેવ, તેની પછી મહાકુમાર લક્ષ્મીદેવ, તેની પછી હરિશ્ચંદ્રનો પુત્ર ઉદયવર્મદેવ. છેલ્લા બે કુમાર ભોજવંશી હતા કે નહિ તે કહી શકાતું નથી. જણાય છે, કે તે સામંત રાજા હતા, જે જયધર્મદેવ પછી બહુ વખતે થયા. અવધમાં ભુકસા નામના કેટલાક ક્ષત્રિય છે, જે પોતાને ભોજવંશી કહેવડાવે છે. તેઓ કહે છે કે, ભોજ પછી ઉદયાદિત્ય નિર્વેધ્ને રાજ્ય ન કરી શક્યો. તેના ભાઈ જગતરાવે તેને કાઢી મૂક્યો અને તે થોડા અનુચરો અને પુરોહિતની સાથે વનવાસ નામના ગામમાં જઈ વસ્યો. તેના વંશના આ ભુકસા ક્ષત્રિય છે.
वि. એ નામની અટકનું.
वि. એ નામની જાતિનું.