ગુજરાતી
Phonetic Keyboard  Gujarati Keyboard
પાયદળ  

ક્રમાંક વ્યુત્પત્તિ વ્યાકરણ અર્થ
[ સં. પાદ ( પગ ) + દલ ( લશ્કર ) ] न. પગે ચાલનારૂં લશ્કર; પેદલ; પ્યાદલ; પદાતિ. જો બહોળો અર્થ લઈએ તો આમાં બધી જાતનાં એટલે નિયમિત અને અનિયમિત પાયદળોનો સમાવેશ થઈ શકે અને જો સંકુચિત અર્થ લઈએ તો તેમાં ફક્ત વ્યવસ્થિત અને તાલીમ પામેલા પાયદળોનો સમાવેશ થઈ શકે. જૂના વખતનું પાયદળ એટલે શહેરીદળ શાંતિના વખતમાં પોતાનો ધંધો કરતું અને અશાંતિ વખતે જરૂર પડે ત્યારે શહેરના કે રાજ્યના રક્ષણ માટે હથિયાર લઈ લડવા જતું. લશ્કરના એક અંગ તરીકે વ્યવસ્થિત પાયદળ ઊભું કરનારાઓમાં તાઇગ્રેસ, યુક્રેટિસ અને નાઇલ પ્રદેશનાં પુરાણાં રાજ્યોનો સમાવેશ થાય છે. ચૌદમી સદીમાં સ્વિટઝર્લેન્ડના પાયદળે બતાવી આપ્યું કે, ભાલા અને બરછીથી ઘોડેસ્વાર ટુકડીને હઠાવી શકાય અને ત્યારથી પાયદળની અગત્ય વધી. વળી જયારથી પાયદળને બંદૂક આપવામાં આવી ત્યારથી તેની મહત્તા વધી. સોળમી સદીમાં સ્પેનનું બંદૂકધારી વ્યવસ્થિત પાયદળ કે જે ટેરસીઅસના નામથી ઓળખાતું, તે લગભગ સો વર્ષ સુધી દરેક લડાઈમાં અણનમ રહ્યું હતું. સત્તરમી સદીમાં સંગીનની શોધથી પાયદળની મહત્તામાં વળી ઘણો વધારો થયો. ત્યારથી પાયદળે આધુનિક સ્વરૂપ પકડ્યું છે અને ઘોડેસવાર સૈનિકની મહત્તા ઘટવા માંડી છે. અત્યારે લશ્કરની અંદર ઘોડેસવાર સૈનિકોની સંખ્યા ઓછા પ્રમાણમાં માલૂમ પડે છે. પાયદળની આગલી હરોળના રક્ષણ માટે છટકતું પાયદળ ઉમેરવામાં આવ્યું છે. વળી છેલ્લી ઢબની સારામાં સારી ગતિવાળી બંદૂકો દાખલ કરવામાં આવી છે. આ બંને કારણોને અંગે પાયદળ અત્યારે લશ્કરનું મુખ્ય અંગ થઈ પડેલ છે. ઓગણીશમી સદીથી સારી બંદૂકો અને તોપખાનું દાખલ થવાથી ઘોડોસ્વાર સૈનિકો પાયદળ સામે બિલકુલ ટક્કર ઝીલી શકતા નથી. તોપખાનાને અંગે પાયદળ દરેક લડાઈમાં ફતેહમંદ નીવડે છે, જેથી પાયદળ દરેક લશ્કરનું એક મુખ્ય અંગ થઈ પડેલ છે.