ગુજરાતી
Phonetic Keyboard  Gujarati Keyboard
હરદ્વાર  

ક્રમાંક વ્યુત્પત્તિ વ્યાકરણ અર્થ
[ સં. હર ( મહાદેવ ) + દ્વાર ( બારણું ) ] न. ગંગાદ્વાર; હિંદુઓનું એક તીર્થસ્થાન. આ યાત્રાસ્થળ નીલ અને બિલ્વનામક બે પર્વતોની વચ્ચે એક સાંકડી ખીણમાં વસેલું છે. તેને કેદારખંડમાં હિમાલયના બદરિકાશ્રમમાં જવાનો દરવાજો હોવાનું બતાવેલું છે. તેની આજુબાજુ દીવાલ જેવા ઊંચા ઊભા નીલ તથા બિલ્વે પથ્થરનાં શિખર ઉપર ક્રમશ: શ્રી ચંડિકાદેવી તથા મનસાદેવીના ધવળ ધામ નભોમંડળમાં પૂર્ણચંદ્રના જેવાં દૂરથી પણ ઘણાં જ મનોરમ પ્રતીત થાય છે. અહીં ગંગાનાં સર્વપ્રથમ દર્શન થયેલાં છે. અહીંથી હિમાલય પ્રદેશનો પ્રારંભ થાય છે. આ તીર્થ ઘણું જ રમણીય છે. અહીં પિતા દક્ષ પ્રજાપતિ દ્વારા અનુષ્ઠિત યજ્ઞકુડમાં કૂદી પડીને પુત્રી પાર્વતીએ પોતાના જીવનની આહુતિ આપેલી. હરને પહોંચવાનું સ્થળ હોવાથી હરદ્વાર અને હરિને પહોંચવાનું સ્થળ હોવાથી હરિદ્વાર કહેવાય છે. ભાગીરથી-ગંગા ગંગોત્રીમાંથી નીકળી મહાદેવની જટામાં એટલે કે હિમાલયનાં જંગલોમાં સપડાઈ ગઈ. કોઈ ભારે સરઘસ સાંકડી શેરીમાંથી ભારે મેદાનમાં પ્રવેશ કરે અને પછી જેમ લોકો છૂટથી અનેક દિશામાં હાશ કરીને વિખરાઇ જાય તે જ દશા હરદ્વાર પાસે ગંગાજીની થઈ છે. ગૌશળામાંથી છૂટેલાં વાછરડાં સ્વતંત્રતાનો અનુભવ કરવા ખાતર જેમ આમતેમ દોડે છે તેમ હરદ્વારથી ગંગા નદી અને પ્રવાહે દોડે છે અને દરેક પ્રવાહનો ઉલ્લાસ પણ બાલવૃત્તિ જ દાખવે છે. હરદ્વાર એ ગંગાને માટે પહાડ છોડી મેદાનોમાં જવાનું જેમ પ્રથમ દ્વાર છે તેમ મુસાફરોને માટે હિમાલયની યાત્રા શરૂ કરી તળેટી છોડી, પહાડોમાં પ્રવેશ કરવાનું પણ દ્વાર છે. ઉત્તરખંડની યાત્રા અહીંથી શરૂ થઇ ગણાય છે. હરદ્વારનાં ઘણાં નામો છે હરદ્વાર કે હરિદ્વાર, માયાપુરી કે મોક્ષપુરી, ગંગાદ્વાર કે હિમાલયની યાત્રાનું મુખદ્વાર એમ હરદ્વારના જુદા જુદા નામો છે અને હિંદુસ્તાનમાં મનાતી સાત મોક્ષપુરી માંહેની એ એક મોક્ષપુરી છે. હરદ્વારમાં આજે લગભગ ૧૫૦થી ૨૦૦ ધર્મશાળાઓ છે. એમાં કોઇ કોઇ ધર્મશાળા તો રાજાઓના રાજમહેલ જેવી આલીશાન પણ છે અને કોઇ સાદી બાંધણીની પણ છે. કોઇ કોઇ ધર્મશાળા સદાય ખુલ્લી રહે છે. હરદ્વાર, કનખલ અને જવાલાપુર એ ત્રણે પાસપાસે છે. હરદ્વાર એ યાત્રાળુઓનું અને ભિખારીઓનું નગર. જવાલાપુરએ પંડ્યાઓનું ધામ. ત્યાં પંડ્યાઓ વસે છે. એ પંડ્યાઓ સવારે યાત્રાળુઓની શોધમાં હરદ્વાર આવે અને સાંજના પાછા જવાલાપુર જતા રહે છે. કહેવાય છે કે, જો તેઓ હરદ્વારમાં રહે તો એમની વંશવૃદ્ધિ થતી નથી અને કનખલ એ તો સંન્યાસીઓનું ધામ હરદ્વારમાં મોટામાં મોટું આકર્ષણ હોય તો તે બ્રહ્મઘાટ છે. તેને હરકી પેઢી પણ કહેવામાં આવે છે. ત્યાં રોજ સવાર સાંજ હજારો યાત્રાળુઓ ગંગાસ્નાન કરી પાવન થાય છે. હરકી પેઢી એટલે હરિનાં પગથિયાં એ પગથિયાં ઉપર કંઈક દેવતાઓ અને ઋષિ મુનિઓએ ગંગાસ્નાન કર્યાં હશે અને કરતા હશે. કુંભ મેળા વખતે ભેગા થતા લાખો સાધુ મહાત્માઓ આ જ ઘાટમાં સ્નાન કરે છે એવો આ મહા પવિત્ર ઘાટ છે. આ બ્રહ્મઘાટમાં સ્નાન કરવું એ મહાપુણ્ય મનાય છે. આ ઘાટની બાંધણી સુંદર છે. ચારે બાજુએ આરસપહાણની લાદી ઓવારા છે અને પાકા પાણાનાં પગથિયાં અને પુલ છે. બ્રહ્મઘાટમાં એક બાજુએ ગંગાજીનાં નીરને વાળ્યાં છે અને છાતી છાતી પાણીમાં યાત્રાળુઓ આનંદ અને ભાવપૂર્વક ગંગાસ્નાન કરે છે. ઘાટની વચ્ચોવચ્ચ ગંગાજીનું મંદિર છે. અને બીજી તરફ વચ્ચે બિરલા ટાવર છે. આ ઘાટ ઉપર શ્રી બદરીનાથ, શ્રી રામપ્રભુ, શ્રી લક્ષ્મીનારાયણ, શ્રી હનુમાનજી અને ગાયત્રી, ગણપતિ વગેરે ઘણાં દેવદેવીઓનાં મંદિરો છે. અને ગંગેશ્વર, શંખેશ્વરનાં શિવલિંગો છે. આર્યાવર્ત યાત્રામાં ઉલ્લેખ છે કે: હરદ્વાર એટલે પ્રભુની પાસે જવાનું દ્વાર, આંગણું. સંસારનો વા અહીંથી બંધ પડતો લાગે છે. સ્વર્ગીય કે દિવ્ય વાતાવરણ અહીંથી શરૂ થાય છે. હરદ્વાર એટલે સંન્યાસીઓનું ધામ. ઘણે ભાગે મનુષ્યના મલરહિત, શ્રીશંકરે ખંખેરેલી પોતાની જટા એટલે શિખરો અને ખીણોમાંનાં ઘટ્ટ વૃક્ષોની ગીચ ઝાડીમાંથી ચાલ્યું આવતું, વિશુદ્ધ શીતલ જલ અહીંથી છૂટું પડી અનેક પ્રવાહે વહે છે. અહીં ગંગા કિનારે ઘણા ઘાટ છે. મુખ્ય ઘાટને હરકી પેઢી-હરઘાટનાં પગથિયાં કહે છે. પાસે જ નદીના પાણીને એક તરફ વાળી એક કુંડ બાંધ્યો છે, તેને બ્રહ્મકુંડ કહે છે. આ ઘાટ ઉપર અને બીજા ઘાટો ઉપર કુશળવર્ત, નીલધારા અને બિલ્વશ્વર, ચંડી દેવી આદિનાં મંદિરો છે. શહેરથી થોડે દૂર ભીમગોડા, સપ્તસ્ત્રોત આદિ પવિત્ર સ્થળો છે. હરદ્વારથી ચાર પાંચ માઈલ દૂર કાંગડી ગુરુકુળ આવેલું છે. તેનાં મુખ્ય મંદિરોમાં ચંદી પહાડ, માયાદેવી અને ગંગાદ્વાર છે. ચંદી પહાડ એ ટેકરી ઉપર આવેલ છે. માયાદેવી દશમી સદીમાં બંધાયેલ છે અને ત્યાં આધુનિક સ્ત્રવનાથનું મંદિર પણ આવેલું છે. તે મંદિરની બહાર મહાદેની મૂર્તિ છે. ગંગાદ્વાર મંદિર હરિકી પરીઘાટ પર આવેલું છે. આ ઘાટ ઉપર વિષ્ણુનાં ચરણ છે એટલા માટે તે પવિત્ર મનાય છે. અહીં યાત્રાળુઓ વૈશાખ મહિનામાં એકઠા થાય છે. આ તીર્થો પર દર્શન‘, સ્પર્શ મંજન, પાન વગેરે કર્મ કરવા ઉપરાંત જેને શ્રાદ્ધાદિ કર્મ કરવું હોય તેને પોતાના પિતૃઓને પિંડ અપર્ણ કરવાનું પૂજન વગેરે બાબત નિર્વિદને સમાપ્ત કરવાનું, પ્રાર્થના કરવાનું આ સ્થાન છે. વીજળિક શક્તિનું કેંદ્ર, લોખંડ, તાંબું આદિ ધાતુઓથી ભરાયેલ. ઊન અને મેવાનું સહુથી વધુ ઉત્પાદનની ક્ષમતા ધરાવતો આ જ પ્રદેશ ભારતનો અત્યંત દરિદ્ર અને ભૂખડ છે.
न. ગંગા નદી પર આવેલું એક પ્રસિદ્ધ શહેર. હરદ્વાર એ સંન્યાસીઓની તપોભૂમિ છે. તે સંસ્કૃત વિદ્યાનું મોટું ધામ છે.
न. શંકરનું બારણું.